સમાચાર  

પાકિસ્તાનના 25 દેરાસરોના જિર્ણોદ્ધારનું કામ 25 કરોડના ખર્ચે થશે.

મુંબઈમાં હીરાનો વ્યવસાય કરતા શ્રી સતીષ શાહને ધંધાર્થે દેશ-વિદેશ ફરવાનું થાય છે. થોડા સમય પહેલાં તેઓ પાકિસ્તાન ગયા ત્યાં તેમણે 25 જેટલા જૈન દેરાસરો જોવામાં આવ્યા. આ મંદિરની સાથે 1200 વર્ષ પહેલાના પ્રાચીન દાદા જિન કુશલસૂરિજીની સમાધિના પણ દર્શન થયા.

એમણે કહ્યું કે જૈન ધર્મના પ્રાચીન પુસ્તકમાં તથા પાકિસ્તાન છોડીને આવેલા જૈનોએ લખેલા પુસ્તકમાં પણ આનો ઉલ્લેખ મળે છે. આ દેરાસરોની હાલત અત્યંત જર્જરિત છે. માત્ર થોડા દેરાસરોમાં જ તીર્થંકરની મૂર્તિ જોવા મળે છે. આ જોઈને સતીષભાઈને આઘાત લાગ્યો. આ અંગે એમણે નક્કર કાર્ય કરવાનું વિચાર્યું.

એક ફોટોગ્રાફરની મદદથી તમામ જર્જરિત દેરાસરોના ફોટા પડાવ્યા. મુંબઈ આવીને જૈન અગ્રણીઓની મિટિંગ યોજી અને આ બેઠકમાં 25 કરોડના ખર્ચથી આ દેરાસરોના જિર્ણોદ્ધારનું કામ કરવાની યોજના બનાવી.

એમણે એમ પણ કહ્યું કે આ પુનઃનિર્માણના કાર્ય માટે જેની પરવાનગી મેળવવાની જરૂર હશે તે અંગે કાર્યવાહી હાથ ધરશે. એમણે કહ્યું કે આ અંગે નાણાની કોઈ સમસ્યા નહીં રહે. સારા કાર્યો માટે લોકો સામેથી દાન આપવાની ભાવના વ્યક્ત કરે છે.

હંસરાજ ડાગાને સમાજસેવા પુરસ્કાર એનાયત થયો

શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા રાયબરેલીના અધ્યક્ષ શ્રી હંસરાજ ડાગાને વિવિધ સ્તરે સંઘ અને સમાજની સેવાના પ્રદાનરૂપે શ્રીમતી મનોહરીદેવી ડાગા સમાજસેવા પુરસ્કાર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં એનાયત થયો.

આ પુરસ્કારમાં રૂ. 51,000નો ચેક, સ્મૃતિચિહ્ન, સન્માનપત્ર આપવામાં આવ્યા અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.

ડુંગરગઢમાં વર્ધમાન મહોત્સવ દરમિયાન તા. 28-12-2006ના રોજ આ કાર્યક્રમનું આયોજન થયું હતું.

ડૉ. અનેકાંત કુંદકુંદ પુરસ્કારથી સન્માનિત

નવી દિલ્હીમાં આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના જૈન દર્શન વિભાગના વરિષ્ઠ વ્યાખ્યાતા ડૉ. અનેકાંતકુમાર જૈનને એમના શોધનિબંધ દાર્શનિક સમન્વય કી દૃષ્ટિ નયાવાદ માટે વર્ષ 2004નો કુન્દકુન્દ જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ઇન્દોરમાં 14 જાન્યુઆરીના રોજ કુન્દકુન્દ જ્ઞાનપીઠ પરિસરમાં આ પુરસ્કાર રૂપે શ્રીફળ, શીલ્ડ, શાલ તથા રકમ આપવામાં આવી.

ડૉ. અનેકાંત વારાણસીના સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના જૈનદર્શન વિભાગાધ્યક્ષ પ્રો. ફૂલચંદ જૈનના જ્યેષ્ઠ સુપુત્ર છે. તેઓએ આ શોધનિબંધ પ્રો. દયાનંદ ભાર્ગવના માર્ગદર્શનથી જૈન વિશ્વભારતી સંસ્થાન લાડનૂમાં રજૂ કર્યો હતો. જેને વિશ્વવિદ્યાલય લાડનૂ દ્વારા પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

તપોવનમાં સુભાષ બ્રિગેડ શરૂ કરવાની પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજીની ઘોષણા

નવસારી પાસે આવેલા તપોવન સંસ્કારધામમાં પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબના માર્ગદર્શનથી શિક્ષણ અને સંસ્કારના સુમેળથી અનેક શિષ્યો તૈયાર થાય છે. પૂજ્ય પંન્યાસ શ્રી ચંદ્રશેખરજી મહારાજસાહેબે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને જણાવ્યું કે હિન્દુસ્તાનમાં જ શિવાજી, હેમચંદ્રાચાર્ય, ભગતસિંહ, સુભાષ બોઝ જેવા અનેક ક્રાંતિવીરો થઈ ગયા. આજે રાષ્ટ્રગદ્દારો અને સંસ્કૃતિ કે ધર્મ સાથે ચેડા કરનારાઓને સીધા કરવા માટે ક્રાંતિવીરોની તાતી જરૂરિયાત છે. આજે માત્ર કરાંટે કે લાકડીઓથી નહીં ચાલે, યુદ્ધના સમયે અહિંસા પરમો ધર્મ માત્રથી ન ચાલે. જૈન ધર્મ કાયરોનો નથી, શૂરવીરોનો છે.

ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા માટે આવતા વર્ષથી તપોવનમાં સુભાષ બ્રિગેડ યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે. તપોવનના બાળકોને સુભાષ બોઝની જેમ લશ્કરી ડ્રેસ આપવામાં આવશે. સુભાષ બ્રિગેડ દ્વારા ખુમારીના પાઠ ભણાવવામાં આવશે. એક સાથે 300 બાળકો ડ્રેસ સાથે કવાયત કરશે.

કેટેગરી

સમાચાર
ઘટનાઓ
ફિચર (માહિતી લેખો)
જૈન તીર્થો
પ્રશ્નોત્તરી
તીર્થંકરો
ઇતિહાસ
સિદ્ધાંત
ફોટોગ્રાફ

ઇ-મેલ